Gujarat

લોકશાહીના મહાપર્વે રાધનપુરમાં જનઉત્સાહ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લાઈનમાં ઉભા રહી મતદાન કરી આપી પ્રેરણા

લોકશાહીના મહાપર્વે રાધનપુરમાં જનઉત્સાહ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લાઈનમાં ઉભા રહી મતદાન કરી આપી પ્રેરણા

રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતાના માદરે વદન પરસુંદ ગામે પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી કર્યું મતદાન

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના મહાપર્વનો ઉમંગ સર્વત્ર છવાયો છે. રાધનપુર વિસ્તારમાં પણ મતદારોમાં ઉત્સાહભેર મતદાન થતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
ધારાસભ્ય લવિંગજી ઠાકોર પરસુંદ ગામે આવેલા પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઉભા રહી શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું. જનપ્રતિનિધિ તરીકે તેમનો આ સાદગીભર્યો અભિગમ મતદારો માટે પ્રેરણારૂપ બન્યો હતો અને લોકશાહી પ્રત્યે વિશ્વાસ મજબૂત કરતો જોવા મળ્યો હતો.
મતદાન કર્યા બાદ લવિંગજી ઠાકોરે જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
રાધનપુર વિસ્તારમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. યુવાનો, મહિલાઓ તેમજ વડીલોમાં પણ મતદાન પ્રત્યે સક્રિય ભાગીદારી નોંધાઈ રહી છે.
ચૂંટણી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની યોગ્ય તૈયારીઓના કારણે સમગ્ર વિસ્તારમાં શાંતિમય માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. લોકશાહી પ્રત્યે લોકોની વધતી જાગૃતિ અને જવાબદારી આ ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
રાધનપુરમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લાઈનમાં ઉભા રહી મતદાન કરવાનું દૃશ્ય એ સંદેશ આપે છે કે લોકશાહીમાં દરેક મત સમાન મહત્વ ધરાવે છે અને દરેક નાગરિકે પોતાના હકનો ઉપયોગ કરવો જોઈએ.

રિપોર્ટ: અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)

IMG-20260426-WA0074.jpg