Gujarat

રાજકોટના 16 વોર્ડમાં મતદાન ઘટતા નેતાઓ ઉવાચ: વોર્ડ નં.4 અને 11માં ગત ચૂંટણી કરતાં વધુ મતદાન થયું

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં આ વખતે મતોનું ગણિત અત્યંત ગૂંચવાડાભર્યું રહ્યું છે. કુલ મતદારોની સંખ્યામાં 1,07,439નો ઘટાડો થયો હોવા છતાં, કુલ મતદાનની ટકાવારી 50.75% થી વધીને 51.18% થઈ છે. પરંતુ આ આંકડાકીય માયાજાળ પાછળની વાસ્તવિકતા એ છે કે શહેરના 18 પૈકી 16 વોર્ડમાં વાસ્તવિક મતદાન કરનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે.

રાજકોટ પૂર્વ – ઉદય કાનગડના ગઢમાં ટકાવારી ઉછળી પણ સંખ્યા ઘટી: ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યક્ષેત્રમાં આવતા વોર્ડ 4, 5, 6, 15 અને 16માં ટકાવારી વધી છે. જોકે, વોર્ડ નં.15માં 10.21%નો જંગી ઉછાળો છતાં કુલ મતો ઘટ્યા છે, જે ઊલટફેરના સંકેત આપે છે. માત્ર વોર્ડ નં.4 એવો રહ્યો જ્યાં ટકાવારી અને સંખ્યા (4,538 મતો) બંને વધી છે. વોર્ડ 18માં 3.5%ના ઘટાડાએ ચિંતા વધારી છે. SIRના કારણે અનેક મતો કપાયા હોવાનું મનાય છે.

રાજકોટ પશ્ચિમ – ડો.દર્શિતા શાહના વિસ્તારમાં ‘સાયલન્ટ’ ઉદાસીનતા: રાજકોટ પશ્ચિમના પોશ ગણાતા વિસ્તારોમાં શિક્ષિત મતદારોએ નિરુત્સાહ દાખવ્યો છે. વોર્ડ નં.9માં સૌથી વધુ 4.2% અને વોર્ડ 1માં 2% મતદાન ઘટ્યું છે. માત્ર વોર્ડ 2માં આંશિક વધારો થયો છે. મતોનું આ ‘સાયલન્ટ’ ધોવાણ ભાજપના ગઢમાં ગાબડું પાડશે કે કેમ તે જોવું રહ્યું.