સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે. મસ્જિદના બાથરૂમમાં એક 15 વર્ષીય કિશોરે 5 વર્ષના માસૂમ બાળકને પૈસાની લાલચ આપી તેની સાથે અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે આ અંગે તેના નાનાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આરોપી કિશોર વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા શુક્રવાર હોવાથી ફરિયાદી મહિલાએ તેના 5 વર્ષના પુત્રને તેના પિતા (બાળકના નાના) પાસે નમાઝ પઢવા માટે મોકલ્યો હતો. બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં બાળકને પેશાબ લાગતા તે મસ્જિદના બાથરૂમમાં ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર 15 વર્ષીય કિશોરે માસૂમને પૈસા બતાવવાની લાલચ આપી બાથરૂમની અંદર લઈ ગયો હતો.
બાથરૂમમાં લઈ જઈ કિશોરે બાળકના કપડાં ઉતારી તેની સાથે અડપલાં કર્યા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે માસૂમ બાળકે ગભરાઈને બૂમ પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેનું મોઢું જોરથી દબાવી દીધું હતું અને પગ વડે દરવાજો બંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ શરમજનક કૃત્ય બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

