ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે દ્વિ-પત્નીત્વ ના ફોજદારી કેસમાં, માત્ર સહજીવન અથવા સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં. કોર્ટે પ્રથમ લગ્ન હયાત હોવા છતાં બીજું લગ્ન કરવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિના નિર્દોષ છૂટકારાના આદેશને માન્ય રાખ્યો છે.
પત્ની વર્ષ 1996માં તેના પિયર જતી રહી આ કેસ પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં વર્ષ 1999માં આરોપીના સસરા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાંથી ઉદભવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ 1989માં લગ્ન કર્યા હતા, પરંતુ વૈવાહિક વિવાદો બાદ તેની પત્ની વર્ષ 1996માં તેના પિયર જતી રહી હતી. પતિ ઉપર આક્ષેપ હતો કે પ્રથમ લગ્ન કાયદેસર રીતે અસ્તિત્વમાં હોવા છતાં તેણે 1998માં બીજું લગ્ન કર્યું હતું.
1999માં જન્મેલી દીકરીનો આધાર લીધો હતો આ આક્ષેપને સાબિત કરવા માટે ફરિયાદીએ કથિત બીજા લગ્નથી જુલાઈ, 1999માં જન્મેલી દીકરીનો આધાર લીધો હતો અને બાળકીનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. બીજા લગ્ન થયા હોવાનો દાવો સાબિત કરવા માટે એક સાક્ષીની પણ તપાસ કરવામાં આવી હતી.
વર્ષ 2006માં પાટણ કોર્ટે આ ફરિયાદને નકારી દીધી હતી. કોર્ટે પ્રથમ દૃષ્ટિએ એવું અવલોકન કર્યું હતું કે આ કેસમાં તેની પાસે પ્રાદેશિક અધિકારક્ષેત્ર નથી. કારણ કે કથિત બીજું લગ્ન આણંદમાં થયું હતું અને યુગલ ત્યાં જ રહેતું હતું. તેમ છતાં ટ્રાયલ કોર્ટે ગુણ-દોષના આધારે મામલાની તપાસ કરી અને નિષ્કર્ષ કાઢ્યો હતો કે બીજું લગ્ન સાબિત થયું નથી.

