Gujarat

ઓનલાઈન ફ્રોડમાં જામનગર સાયબર પોલીસ બની દેવદૂત, 120 દિ’માં 61.43 લાખ રિકવર કર્યા

આજના ડિજિટલ યુગમાં જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેતરપિંડી કરનારા ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને નિર્દોષ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે.

જોકે, આ વધતા જતા ગુનાઓ સામે પોલીસ તંત્ર પણ હવે વધુ સતર્ક બન્યું છે. ત્યારે જામનગરમાં માત્ર ચાર જ માસમાં રૂ.61.43 લાખ જેટલી માતબર રકમ ફરિયાદોને પરત અપાવી છે. સાયબર ક્રાઈમના ગુનાઓ દેશભરમાં વધતા પોલીસ તંત્ર ચિંતામાં પડ્યું છે. ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ઘાસુરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરીમાં કરવામાં આવી રહી છે.

ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરીને વર્ષ 2026ના 1 જાન્યુઆરીથી 31 એપ્રિલ દરમ્યાન કુલ રૂ.61,43,053 જેટલી માતબર રકમ રિકવર કરવામાં આવી છે.

આ રકમ અલગ-અલગ કિસ્સાઓમાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા કુલ 95થી વધુ અરજદારોને પરત સોંપવામાં આવ્યા છે. પોતાની મહેનતની કમાણી પાછી મળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેમણે પોલીસની ત્વરિત કામગીરીનો આભાર માન્યો હતો.