સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના લગ્ન 2015માં અડાજણના વતની અને હાલ બર્લિન (જર્મની)માં રહેતા રાહુલ (નામ બદલેલ છે) સાથે થયા હતાં. લગ્ન સમયે વિદેશમાં સ્થાયી થવાના મોટા સપનાઓ બતાવવામાં આવ્યા હતા. જોકે, લગ્ન બાદ પતિ વિદેશ જતો રહ્યો અને પત્નીને સાસુ-સસરા પાસે મૂકી ગયો હતો. 2016માં પતિ તેને જર્મની લઈ તો ગયો, પણ ત્યાં સુખને બદલે સીમાના નસીબમાં દુઃખ લખાયેલું હતું.
પત્નીના આક્ષેપ: પતિ મોડી રાત સુધી પાર્ટી કરતો અને ખર્ચ માટે પૈસા પણ આપતો નહીં સીમાએ કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ, જર્મનીમાં પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તે મોડી રાત સુધી બહાર પાર્ટીઓ કરતો અને ઘરે આવ્યા બાદ સીમાને ઘરખર્ચ માટે પૂરતા પૈસા પણ આપતો ન હતો. જ્યારે પણ સીમા પોતાના હકની વાત કરતી કે ફરિયાદ કરતી, ત્યારે રાહુલ તેને ભારત પરત મોકલી દેવાની ધમકી આપતો હતો. અંતે, લગ્નના માત્ર બે વર્ષમાં જ પત્નીને તરછોડી દેવામાં આવી હતી, જેના કારણે તેણીએ કાયદાનો આશરો લેવો પડ્યો હતો.
એક પણ વખત પતિ કોર્ટમાં હાજર ન રહ્યો ભરણપોષણનો કેસ દાખલ થયા બાદ પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો. તેને એમ હતું કે ગેરહાજર રહેવાથી કેસ ચાલશે નહીં. જોકે, પત્નીના એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ પતિના છેલ્લા દસ વર્ષના ભારતના ઇન્કમટેક્સ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. સામા પક્ષે પતિએ જર્મનીમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો તેની નોટિસ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી, જેને આધારે કોર્ટે એકતરફી સુનાવણી હાથ ધરી હતી.

