જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાંથી વન વિભાગે એક ઇજાગ્રસ્ત દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. આ દીપડો આંતરિક લડાઈમાં ઘાયલ થયો હતો અને તેની ઉંમર આશરે એકથી દોઢ વર્ષની હોવાનું અનુમાન છે. માહિતી મળતા જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને સુરક્ષિત રીતે જામજોધપુર વન વિભાગની કચેરી ખાતે લાવ્યો હતો.
ઇજાગ્રસ્ત દીપડાની ગંભીર હાલત જોતા, જામજોધપુર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇકબાલ ભટ્ટી અને જયેશ મણીયાર દ્વારા આર.એફ.ઓ. અને વન વિભાગના સ્ટાફની હાજરીમાં પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં દીપડાને ડોક અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક સારવાર બાદ પણ દીપડાની તબિયત વધુ ગંભીર જણાતા અને તેને વિશેષ તબીબી સંભાળની જરૂર હોવાથી, વન વિભાગે તેને વધુ સારવાર માટે જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે રિફર કર્યો છે. વન વિભાગની આ સમયસરની કામગીરીથી ઘાયલ વન્યજીવને તાત્કાલિક સારવાર મળી શકી છે.

