Gujarat

આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે કલેક્ટરને આવેદન

તાજેતરમાં યોજાયેલ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ૨૪-સિંગચ બેઠકના સિંગચ ગામના બૂથમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના જામજાેધપુર વિધાનસભાના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટનું ક્રોસ કનેક્શન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના આગેવાનોના જણાવ્યા મુજબ આ ટેકનિકલ ગેરરીતિને કારણે પાર્ટીના ઉમેદવારના પરિણામ પર સીધી અસર પહોંચી હતી, અને ચૂંટણી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કાર્યકરોએ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.