Gujarat

પૂર્વ SP પ્રેમસુખ ડેલુની PM બંદોબસ્તમાં ખાસ નિમણૂક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત જામનગર પ્રવાસને પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડાપ્રધાનના બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ખાસ નિમણૂક કરવામાં આવી છે.

પ્રેમસુખ ડેલુએ જામનગર જિલ્લામાં ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેઓ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો અને સ્થાનિક વ્યવસ્થાથી સારી રીતે પરિચિત છે. આ અનુભવને કારણે તેમને વડાપ્રધાનના બંદોબસ્તમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમસુખ ડેલુ આજે સવારે જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ આગામી ત્રણ દિવસ સુધી જામનગરમાં રોકાશે અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધી સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોડાશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ અને અન્ય મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.