Gujarat

દિવાળીમાં ચોરી-સાયબર ફ્રોડ અટકાવવા પોલીસ સજ્જ

રાજકોટ શહેરમાં દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે.

જેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે તમે જ્યારે હરવા ફરવા માટે જાઓ ત્યારે રોકડ રકમ અને દાગીના સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા, બહારગામ ફરવા જતી વખતે સોશિયલ મીડિયા પર લાઈવ અપડેટ્સ આપવાનું ટાળવું, કોઈ લકી ડ્રો, દિવાળી ઓફર કે ગિફ્ટના નામે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને પોલીસ, CBI કે EDના નામથી ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ કાયદામાં હોતી નથી.

તહેવાર દરમિયાન હોટસ્પોટ્સ પર વિશેષ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે અને 24*7 સંવેદનશીલ સ્થળો ઉપર બંદોબસ્ત રહેશે.

જગદીશ બાંગરવા

ઘરમાં વઘુ પડતા દાગીના કે રોકડ રાખવાનું ટાળવું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, દિવાળી અને તહેવારોની રજાઓ દરમિયાન નાગરિકો ખરીદી, પ્રવાસ કે ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. આ સમયગાળા દરમિયાન ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે.

રાજકોટ શહેર પોલીસ વતી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ બહાર જાવ ત્યારે ઘરના તાળા, બારી, દરવાજા અને કબાટ વ્યવસ્થિત અને યોગ્ય રીતે બંધ કરીને જવા. ઘર બહાર જતી વખતે પડોશી કે કોઈ સગા-સંબંધીને જાણ કરીને જવું. ઘરમાં વધારે માત્રામાં રોકડ રકમ કે દાગીના રાખવાનું ટાળવું અથવા તેમને કોઈ સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા. જેથી ઘરફોડ ચોરી જેવા બનાવો ન બને.