Gujarat

વડાપ્રધાન મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ અને રાત્રિ રોકાણને પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન રવિવારે રાત્રે જામનગર પહોંચશે અને સોમવારે સવારે સોમનાથ જવા રવાના થશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે 9:00 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન મારફતે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. એરબેઝ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી સહિતના રાજકીય અગ્રણીઓ તેમનું સ્વાગત કરશે.

આ ઉપરાંત, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જેવા કે કલેક્ટર પી.બી. પંડ્યા, રાજકોટ રેન્જ આઈજીપી નીર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ડૉ. રવિમોહન સૈની પણ સ્વાગત પ્રોટોકોલમાં ઉપસ્થિત રહેશે.

રાત્રે 9:05 વાગ્યે વડાપ્રધાનનો કાફલો એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ જવા રવાના થશે. માર્ગમાં આવતા લાલ બંગલા સર્કલ ખાતે શહેર ભાજપના કાર્યકરો અને નાગરિકો દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે.

અંદાજે રાત્રે 9:25 વાગ્યે વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. સુરક્ષાના ભાગરૂપે સર્કિટ હાઉસને SPG અને સ્થાનિક પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

સોમવારે સવારે 7:00 વાગ્યે વડાપ્રધાનની દિનચર્યા શરૂ થશે. સવારે 8:30 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી મોટર માર્ગે ફરી એરફોર્સ સ્ટેશન પહોંચશે. ત્યારબાદ, જામનગર એરબેઝ પરથી હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ મહાદેવના દર્શન અર્થે રવાના થશે.