જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શહેર તેમજ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. વર્ષ 1957થી કાર્યરત આ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી કુશળ માનવબળ તૈયાર કરવા અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન દ્વારા જોવા મળ્યું છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના હસ્તે સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.
આ શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.ની પસંદગી માટે કુલ 30 જેટલા વિવિધ કઠિન માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ તમામ પાસાઓમાં 150 ગુણમાંથી 127 ગુણ મેળવીને જામનગર આઈ.ટી.આઈ.એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું.
આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. ITI જામનગરમાં હાલ આશરે 2,000 જેટલા વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ અને સિવિલ જેવા વિવિધ ટેકનિકલ ક્ષેત્રોમાં તાલીમ મેળવી રહ્યા છે.

