Gujarat

તાંત્રિક વિધિના નામે રૂ. 76.66 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

વેરાવળ સીટી પોલીસે તાંત્રિક વિધિના બહાને રૂ. 76.66 લાખની છેતરપિંડીના મુખ્ય આરોપી આરીફ ગફાર ઉર્ફે ભૂરો વરિયાળીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ વધુ ઊંડી તપાસમાં જોતરાઈ છે.

વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેતી એક માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2024માં પારિવારિક ઓળખાણ ધરાવતા આરીફ ઉર્ફે ભૂરો વરિયાળીએ તેમને એક ‘અઘોરી તાંત્રિક’ વિશે જણાવ્યું હતું.

આરોપીએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે, ઉનાના આમોદ્રા ગામના મસાણ નજીક જમીનમાં હીરા, માણેક અને સોનાથી ભરેલા ચરુ દટાયેલા છે, જે ખાસ તાંત્રિક વિધિ દ્વારા બહાર કાઢી શકાય છે. આરોપીએ મહિલાને પ્રભાસ પાટણ ખાતે એક કથિત અઘોરી બાબા સાથે મળાવ્યા હોવાનું નાટક રચી વધુ વિશ્વાસમાં લીધી હતી.

ત્યારબાદ વિધિ માટે સોનાના નાગ, ખોડિયાર માતાની મૂર્તિ, ચાંદીની થાળી, દાગીના તથા રોકડ રકમની જરૂર હોવાનું કહી અલગ અલગ સમયે લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. મહિલાએ વેરાવળની વિવિધ જ્વેલર્સ દુકાનોમાંથી 115 ગ્રામના ત્રણ સોનાના નાગ, સોનાના દાગીના, ચાંદીના આભૂષણો, ખોડિયાર માતાની સોનાની મૂર્તિ તેમજ 48 તોલા જેટલું શુદ્ધ સોનું ખરીદી આરોપીને સોંપ્યું હતું.

આ ઉપરાંત, તાંત્રિક વિધિ માટે રૂ. 25 લાખ રોકડા પણ આપ્યા હતા. આમ કુલ રૂ. 76,66,645ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.