ડભોઇ દિવાળી એટલે અંધકાર પર પ્રકાશના વિજયનો પર્વ અને ઘેર-ઘેર દીવા પ્રગટાવીને માતા લક્ષ્મીજીનું સ્વાગત કરવાનો પવિત્ર અવસર. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડભોઇનો પ્રજાપતિ સમાજ દિવાળી પૂર્વે મહિનાઓ સુધી તનતોડ મહેનત કરીને શુદ્ધ દેશી માટીના પરંપરાગત દીવડાઓ તૈયાર કરતો આવ્યો છે.
જોકે, બદલાતી ટેકનોલોજીના યુગમાં આ વખતે દેશી માટીના દીવાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બજારમાં ચાઇનીઝ દીવા, રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટો અને આધુનિક પ્લાસ્ટિક-સિરામિક વેરાયટીઓની ભરમારના કારણે ડભોઇના પરંપરાગત માટીના દીવડાંનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.
કુંભકારોની રોજીરોટી સંકટમાં એક તરફ સમગ્ર રાજ્યમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ તૈયાર કરેલા માટીના દીવડાઓ ન વેચાતાં ડભોઇના પ્રજાપતિ સમાજના પરિવારો ચિંતામાં મુકાયા છે.
માટી લાવવાથી માંડીને, ચાકડા પર દીવડાં ઘડવા, સુકવવા અને નિભાડામાં પકવવા સુધીની લાંબી મહેનત બાદ પણ કારીગરોને તેમની પડતર કિંમત જેટલું વળતર પણ મળવું મુશ્કેલ બન્યું છે. દિવસ-રાત પરસેવો વહાવીને બનાવેલો માલ સ્ટોકમાં પડી રહેતાં કારીગરોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

