પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 19 મે, 2026ના રોજ બપોરે 12 વાગ્યે નગરપાલિકા કચેરી ખાતે યોજાશે. આ ચૂંટણી પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે હાથ ધરવામાં આવશે.આ ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના નાયબ કલેકટર અને અધ્યાશી અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-32 મુજબ ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની જ કાર્યવાહી કરવામાં આવશે.નગરપાલિકામાં કુલ 44 સભ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 27, કોંગ્રેસના 12 અને 5 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદની બેઠક સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી છે.
ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપનો કબજો રહેશે તે નિશ્ચિત છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. ભાજપના જીતેલા ઉમેદવારોએ પક્ષના નિર્ણયને સ્વીકારવાની ખાતરી આપી છે. નગરપાલિકા કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

