ભાવનગર: શહેરના ફુલસર વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ઝૂમી રહેલા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતી સમગ્ર ઘટના? ફુલસર વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા તનસુખભાઈ મેરનો પુત્ર રાજદીપ ગત 11 મેના રોજ પોતાની ફઇના પુત્રના લગ્નમાં આવ્યો હતો. વરઘોડામાં ડીજે સાથે વાજતે-ગાજતે પ્રસંગ માણી રહેલા રાજદીપ પર અચાનક મોટરસાયકલ અને એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રાજદીપને છાતી, પડખા અને ગળાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

હુમલા પાછળનું કારણ પ્રેમ લગ્ન પોલીસ ફરિયાદ અનુસાર, રાજદીપભાઇએ ગત 6 નવેમ્બર 2025ના રોજ ફુલસર કર્મચારીનગરમાં રહેતા શિવરાજસિંહ જાડેજાની દીકરી વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારને મંજૂર ન હોવાથી તેની અદાવત રાખીને યુવતીના ભાઈ હાર્દિકસિંહ અને તેના મિત્રોએ આ હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે.

