સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહત અનુભવી છે. વન વિભાગે વાળા પુંજાભાઈ કાળાભાઈની માલિકીની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરામાં પકડાતા જ સુત્રાપાડા રાઉન્ડનો વન વિભાગનો સ્ટાફ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગના અધિકારીઓએ સાવચેતીપૂર્વક કામગીરી કરીને દીપડાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, પકડાયેલો દીપડો આશરે 5 થી 9 વર્ષનો નર દીપડો છે. દીપડો પકડાયાના સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. દીપડાની હાજરીથી ફેલાયેલો ભય હવે દૂર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ માટે ખસેડવામાં આવશે. ત્યારબાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

