અમદાવાદમાં વિઝાના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવ બનતા હોય છે, ત્યારે હવે કન્સલટન્સીના ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીના પૈસા બારોબર લઈ લીધા છે. મેનેજરે ફીની રકમ ના તો યુકેની યુનિવર્સિટીમાં જમા કરાવી કે ના વિદ્યાર્થીઓને પરત આપી હતી. જેથી કન્સલ્ટન્સી દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટી મેનેજર વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીની ઉચાપત કરી વડોદરામાં રહેતા જયદીપસિંહ રાઠોડે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ આંબાવાડી ખાતે આવેલા કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્સી નામની સ્ટડી એબ્રોડ એજ્યુકેશન કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેની અમદાવાદની બ્રાંચમાં ઋષિલ શાહ ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ઋષિલ કંપનીની તમામ પ્રક્રિયાથી વાકેફ હતો.
30 લાખ લીધા ને 10.83 લાખ પરત ના આપ્યા ઋષિલની કામગીરી ઉપર શંકા જતા તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે, ઋષિલ શાહે માર્ચથી નવેમ્બર 2025 દરમિયાન કંપનીમાં આવતા વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પાસેથી યુકેની યુનિવર્સિટીના બેન્ક એકાઉન્ટમાં ફી જમા કરાવવાના બદલે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં અને રોકડ મારફતે કુલ 29.30 લાખ રૂપિયા મેળવ્યા હતા, જેમાંથી વાલીઓને ટુકડે ટુકડે 18.30 લાખ આપ્યા હતાં.
પરંતુ બાકીના 10.83 લાખ રૂપિયા પરત આપ્યા નહોતા. ઋષિલે આ પૈસા યુકેની યુનિવર્સિટીમાં ફીના પણ જમા પણ કરાવ્યા નહોતા. જેથી ઋષિલ શાહ સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

