પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતાની ચિંતા વધુ વધી છે. તેલ કંપનીઓએ આજે(19 મે) ફરી પ્રતિ લિટર 90 પેસાનો વધારો જાહેર કરતા ભાવનગર શહેરમાં પેટ્રોલનો ભાવ રૂ.99.95 અને ડીઝલનો ભાવ રૂ.95.79 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત 15 મેના રોજ પણ પ્રતિ લિટર રૂ.3નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવોના કારણે પરિવહન ખર્ચ સાથે દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
‘સરકારને વિનંતી છે કે નાના માણસોને તકલીફ ન થવી જોઈએ’ આ અંગે અલંગનો વ્યવસાય કરતા હાફિઝભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આજે જે પેટ્રોલના ભાવ વધારો થયો છે એ તો જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ, અને લોકોને કામ કરવા માટે પેટ્રોલ તો પુરાવવું જ પડશે. વધશે કે ઘટશે એ તો બધા પુરાવવાના જ છે, પણ સમયની સાથે જે કાંઈ થાય એ વ્યાજબી થવું જોઈએ, એટલે સરકારને વિનંતી છે કે નાના માણસોને તકલીફ ન થવી જોઈએ. ભાવ વધારો તો સરકારની જરૂરિયાત છે એ પ્રમાણે વધારો કરવો જ પડે, જે રીતે સરકારને ઉપરથી પેટ્રોલ ડીઝલ મોંઘું આવતું હોય એ પ્રમાણે વધારો કરવો જ પડે.

‘ભાવ વધ્યો એ તો યુદ્ધના હિસાબે વધ્યો છે’ આ અંગે યુનુસ દસાળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને કીધું છે કે પેટ્રોલની બચત કરો. જે ભાવ વધ્યો એ તો યુદ્ધના હિસાબે વધ્યો છે. આપણે અહીંયા ઘણું રાહત દરથી પેટ્રોલ મળી રહ્યું છે અને આપણે કોઈ પણ લાઈનમાં ઊભું રહેવાનું નથી હોતું અને આપણને જોઈએ એટલું પેટ્રોલ મળી રહે છે.

