Gujarat

દેત્રોજમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે, 16 મેના રોજ દેત્રોજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકાભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લાવી રોગચાળો અટકાવવાનો હતો.

તાલુકા હેલ્થ કચેરી હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રૂદાતલ, રામપુરા અને કોટોસણ રોડ ખાતે ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવા માટે માહિતી કાર્યક્રમો અને રેલીઓ યોજાઈ હતી. આ કાર્યક્રમોમાં આરોગ્ય કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારબાદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે પોતાના કાર્યક્ષેત્રમાં ટીમવર્ક દ્વારા ડેન્ગ્યુ સર્વે હાથ ધર્યો હતો.

આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામજનોને ડેન્ગ્યુના લક્ષણો, બચાવના ઉપાયો અને સ્વચ્છતાની મહત્વતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દેત્રોજ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસના ભાગરૂપે ગૃહ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 39 લોકોએ ભાગ લીધો હતો. શિબિરમાં સુપરવાઈઝર દ્વારા ઉપસ્થિત લોકોને ડેન્ગ્યુથી બચવા માટેની સાવચેતી, મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને આસપાસ સ્વચ્છતા જાળવવાની સમજણ આપવામાં આવી હતી.