જુહાપુરા વિસ્તારમાં દુકાનના ભાડા અને સ્ટીકર ફાડવાના મુદ્દે થયેલી બોલાચાલી હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. રેડીમેડના ધંધા માટે ભાડે લેવામાં આવેલી દુકાનના રીનોવેશન દરમિયાન અગાઉના ભાડુઆત અને તેના સાગરીતો ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પેવરબ્લોક અને પાઈપ વડે હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભાડૂઆત ભત્રીજા અને અન્ય લોકો સાથે ધસી આવ્યો સરખેજ-જુહાપુરા રોડ ફતેહવાડી વિસ્તારમાં રહેતા મોહમદ રફસાન મંડલી વકીલાતનો વ્યવસાય કરે છે.રફસાન પોતાના પિતા ઈલીયા, માતા યાસ્મીનબાનુ, પત્ની તનાઝ, ભાઈ ફેઝાન અને ભાભી સાહીનબાનુ સાથે રહે છે.જુહાપુરાના હિમાલયા ફુલકનુમા નામના બિલ્ડિંગમાં આવેલી દુકાન નંબર 120 અગાઉ ઈલીયાસ શેખને ભાડેથી આપવામાં આવી હતી. દુકાનના માલિક સૈફભાઈએ ઈલીયાસ સમયસર ભાડું ન ભરતા તેને દુકાન ખાલી કરવા કહ્યું હતું.
ત્યારબાદ રફસાનને રેડીમેડનો ધંધો શરૂ કરવો હોવાથી તેણે આ દુકાન ભાડેથી લેવાની તૈયારી બતાવી હતી.ઈલીયાસે દુકાન ખાલી કરી દીધી હતી અને ત્યારબાદ રફસાને દુકાનમાં રીનોવેશનનું કામ શરૂ કરાવ્યું હતું. બે દિવસ અગાઉ દુકાનમાં રીનોવેશન ચાલી રહ્યું હતું ત્યારે અગાઉના ભાડુઆત ઈલીયાસ શેખ, તેનો ભત્રીજો રીયાન તથા અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.
‘તમારે ત્રણ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે’ આરોપીઓએ આવીને કહ્યું હતું કે તમારે ત્રણ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. રફસાનના ભાઈએ પૂછ્યું હતું કે ત્રણ હજાર રૂપિયા શેના આપવા, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો.
આ દરમિયાન રીયાને કહ્યું હતું કે દુકાનના દરવાજા પર લગાવવામાં આવેલા ટ્યુશન ક્લાસિસના સ્ટીકર તમે ફાડી નાખ્યા છે, તેથી તેના પૈસા આપવા પડશે.બોલાચાલી વધતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને “આજ તો ઇનકો જાન સે માર હી દેતે હે” કહી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

