Gujarat

પ્રથમ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે

સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, મનપાના પદાધિકારીઓની વરણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. ગત 28 એપ્રિલના રોજ મનપાની 120 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અન્ય કોઈ પણ મહત્વની કમિટીઓની રચના કરવામાં આવી નથી.

આ લાંબા વિલંબને કારણે શહેરના રાજકીય વર્તુળો અને વહીવટી તંત્રમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આગામી 28 મેના રોજ યોજાનારી સંભવિત પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં સુરતના નવા મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત સંભવ છે.

ભાજપે 115 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો 28 એપ્રિલે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 120માંથી 115 બેઠક પર ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.

સામાન્ય રીતે વિરોધ પક્ષ નબળો હોય અને શાસક પક્ષ પાસે આટલી મોટી બહુમતી હોય ત્યારે સરકાર કે બોર્ડની રચના ઝડપથી થતી હોય છે. પરંતુ સુરત મનપાના કિસ્સામાં આ પ્રચંડ બહુમતી જ વિલંબનું મુખ્ય કારણ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 115 કોર્પોરેટર જીતીને આવ્યા હોવાથી પક્ષમાં સિનિયર અને પ્રભાવશાળી દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે.

પક્ષના મોવડીમંડળ સમક્ષ અત્યારે જ્ઞાતિગત સમીકરણો, ભૌગોલિક ઝોન (જેમ કે વરાછા, કતારગામ, રાંદેર, અઠવા કે ઉધના-લિંબાયત વિસ્તારો) અને શૈક્ષણિક લાયકાતની સાથે સિનિયોરિટીનું સંતુલન જાળવવાનો મોટો પડકાર છે. લોકસભાની ચૂંટણીઓ બાદ પક્ષ કોઈ પણ વિસ્તાર કે જ્ઞાતિમાં નારાજગી વહોરવા માંગતો નથી, જેથી દરેક નામ પર ખૂબ જ ઝીણવટપૂર્વક મંથન ચાલી રહ્યું છે.