Gujarat

અમદાવાદમાં બ્રોકરે મર્સિડિઝ ચોરીની FIR કરી ને માલિકીનો જંગ હાઇકોર્ટ પહોંચ્યો

અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ SUVનો કબજો તેના રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે પ્રહલાદનગરના એક પ્રોપર્ટી બ્રોકરના એ દાવા પર શંકા વ્યક્ત કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે આ વાહન તેના મિત્રની પત્નીના નામે ખરીદ્યું હતું અને 07 વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો હતો.

મર્સિડીઝ-બેન્ઝ GLS 350D અંગેના વિવાદમાં રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, જે બાબત શંકાસ્પદ જણાય છે તે એ છે કે કોઈ વ્યક્તિ કોઈ અન્યની પત્નીના નામે લક્ઝરી બ્રાન્ડની કાર શા માટે ખરીદે?

બ્રોકરે કોર્ટને જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2019માં આ SUV ખરીદી હતી, પરંતુ તેને તેના મિત્રની પત્નીના નામે રજિસ્ટર કરાવી હતી કારણ કે તેનો મિત્ર દસ્તાવેજો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને પોતાના નામે ગાડી ખરીદી શકે તેમ નહોતો. તેણે દાવો કર્યો હતો કે રજિસ્ટ્રેશન અન્યના નામે હોવા છતાં, લોનના હપ્તા તેણે ચૂકવ્યા હતા અને વાહનનો કબજો પોતાની પાસે રાખ્યો હતો.

આ વિવાદ ડિસેમ્બર, 2024માં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે આનંદનગર પોલીસે બ્રોકરના નિવાસ સ્થાનેથી SUVની કથિત ચોરી અંગે FIR નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બ્રોકરના મિત્રએ કથિત રીતે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને વાહન લઈ લીધું હતું. જેથી તેની સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં એક સર્વિસ સ્ટેશનના મેનેજરે કથિત રીતે વાહન બ્રોકરના ઘરે પહોંચાડ્યા પછી પોલીસે SUV જપ્ત કરી હતી.