Gujarat

રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા કરી શકશે

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાનો અંદાજે 11 વર્ષ જૂનો સોફ્ટવેર બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નવો સોફ્ટવેર કાર્યરત થતા બાદ રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા આંગળીનાં ટેરવે કરી શકશે. જેને લઈને મનપાનાં કુલ 6 લાખ કરતા વધુ કરદાતાઓને નાના-નાના કામો કરાવવા માટે વોર્ડ ઓફીસ કે મનપા કચેરીઓના ધક્કા ખવામાંથી મુક્તિ મળશે.

પ્રાપ્ત વિગત મુજબ ટેક્સ બ્રાન્ચ દ્વારા જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંદાજિત 11 વર્ષ જૂનો છે. તત્કાલીન સમયની પ્રવર્તમાન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બદલાતા સમય અને ટેકનોલોજીના વિકાસ સાથે તેમાં જડમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઈ છે.

આ બાબતને લક્ષમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીના તમામ સુધારા-વધારા સાથેનું એક નવું આયોજન હાથ ધરીને નવા સોફ્ટવેર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ચાર્જ આઇટી ડાયરેક્ટર સમીર ધડુકના જણાવ્યા મુજબ, અગાઉ મહાનગરપાલિકાના આઇ.ટી. વિભાગ દ્વારા વેરા વસુલાત શાખાની કામગીરીની સરળતા માટે વર્ષ 2016માં ઇન હાઉસ સોફ્ટવેર બનાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 2018માં કાર્પેટ એરિયા આધારિત મિલકતવેરાની પદ્ધતિ અમલમાં આવતા, તેની સાથોસાથ ડિજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર આપવા ઓનલાઇન વેરો ભરપાઇ કરવાની સગવડ ઉભી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલ જે સોફ્ટવેર કાર્યરત છે તે રિમોટ ડેસ્કટોપ આધારિત છે, જે માત્ર ઇન્ટરનલ નેટવર્ક (આંતરિક નેટવર્ક) માંથી જ વાપરી શકાય છે.