રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હિંગોળગઢ નજીક એક દીપડાનું વાહનની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને તેને અડફેટે લીધો હતો. હિંગોળગઢ આસપાસના વિસ્તારમાંથી એક દીપડો રાત્રિના અથવા વહેલી સવારના સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે દીપડાને જોરદાર ટક્કર મારી દીધી હતી.
અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગે અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વન્યજીવ સુરક્ષા અને હાઈવે પર થતા અકસ્માતો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

