ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ગેંગના કુલ 7 સભ્યો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી ઉના, નવાબંદર, કોડીનાર અને સોમનાથ મરીન વિસ્તારમાં સક્રિય આ ગેંગ શરીર સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશનના ગુનાઓ આચરતી હતી. આ ટોળકી દ્વારા પ્રાણઘાતક હથિયારો સાથે રાયોટિંગ, મારામારી, ધાકધમકી, ગંભીર ઇજા, જાહેરમાં બખેડા, તોડફોડ, સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ અને ઇજા પહોંચાડવા જેવા ગુનાઓ આચરવામાં આવતા હતા.

ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા (ઉં.વ. 28, રહે. કોબ) સામે છેલ્લા 10 વર્ષમાં કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે. તેણે પોતાના સાગરીતો સાથે મળીને અનેક ગંભીર ગુનાઓ આચર્યા હતા, જેના કારણે આ વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.
જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એસપી જાડેજાની સૂચના મુજબ એલસીબીના પીઆઈ રાજપૂત, ઇન્ચાર્જ પીઆઈ સિંધવ અને જેબલિયા દ્વારા ગુપ્ત તપાસ કરી ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું કે આ ગુનેગાર ઇસમોએ પોતાના સાગરીતો સાથે મળીને ગંભીર ગુનાઓ આચરવા માટે સંગઠિત ટોળકી બનાવી હતી. આ આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે GUJCTOC એક્ટ-2015ની કલમ-3(1)ની પેટા કલમ-(2), કલમ-3(2) અને કલમ-3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ચૌધરી ચલાવી રહ્યા છે.

