રાજકોટના નાગરિકોને “સચેત” એપ ડાઉનલોડ કરવા કલેક્ટર કચેરી દ્વારા અનુરોધ.
રાજકોટ તા.૨૧/૫/૨૦૨૬ ના રોજ કુદરતી આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સમયસર સાવચેતીના પગલાં લઈ શકાય તે હેતુથી રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર આપત્તિ વ્યવસ્થાપન મોબાઈલ એપ્લિકેશન “SACHET” (સચેત) ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ્લિકેશન નાગરિકોને કુદરતી આફતો સમયે જાગૃત કરશે. આ એપ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન, અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ત્વરિત અને ચોક્કસ ભૌગોલિક વિસ્તાર આધારિત વહેલી ચેતવણી આપવામાં માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં ભારતીય હવામાન વિભાગ તરફથી રોજેરોજના હવામાનના અહેવાલો અને આગામી દિવસોની આગાહીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાગરિકો પોતાના આગોતરા આયોજન કરી શકે. નાગરિકો પોતાની માતૃભાષામાં સરળતાથી એલર્ટ સમજી શકે તે માટે આ એપ્લિકેશન ગુજરાતી સહિત ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યરત છે. એપમાં આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું, કટોકટીના સમયના મહત્વના હેલ્પલાઇન નંબરો તેમજ આપત્તિથી પ્રભાવિત વિસ્તારોના નકશા જેવી ઉપયોગી વિગતો પણ સમાવવામાં આવી છે. આ એપ વેબસાઇટ લિંક https://sachet.ndma.gov.in/DownloadMobileApp પર જઈને અથવા એન્ડ્રોઇડ યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પર અને આઇફોન યુઝર્સ એપલ એપ સ્ટોર પર જઈને “SACHET” સર્ચ કરીને સીધી ડાઉનલોડ કરી શકાય છે. આપત્તિની સ્થિતિમાં કે આપત્તિ અંગેની માહિતી મેળવવા કે આપવા માટે રાજકોટ જિલ્લાના ૨૪/૭ કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર +૯૧૨૮૧૨૪૭૧૫૭૩ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


