માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે ચોરવાડ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુરુવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચોરવાડ નજીક વિકસિત હોલીડે કેમ્પ બીચનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં આવાસ યોજના હેઠળ ૧૫૧ લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, હોલીડે કેમ્પ બીચનું લોકાર્પણ, જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત, વિવિધ વોર્ડમાં સી.સી. રોડ અને પેપર બ્લોકના કામો, સિટી લાઈટ, ભૂગર્ભ ગટર યોજના હેઠળ વાહનનું લોકાર્પણ, આંગણવાડી કેન્દ્રો, શહેર બ્યુટીફીકેશન, ગાર્ડન વિકાસ, જી.વી.પી. પોઇન્ટ અને ફિશ માર્કેટ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચૂડાસમા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, દેવાભાઈ માલમ, ભગવાનભાઈ બારડ તેમજ માજી ધારાસભ્ય રાજશીભાઈ જોટવા અને જશાભાઈ બારડ હાજર રહ્યા હતા. ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચૂડાસમા, ઉપપ્રમુખ દિલીપભાઈ શાહ, કારોબારી ચેરમેન ધીરુભાઈ ડાભી સહિત સભ્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ચોરવાડમાં થઈ રહેલા વિકાસકાર્યો શહેરને નવી ઓળખ આપશે. આ કાર્યો પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને, હોલીડે કેમ્પ બીચ અને ચોપાટીનો વિકાસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

