Gujarat

ગિરનારમાં 600થી વધુ વનસ્પતિ અને એશિયાઈ સિંહોનો વસવાટ

​જૂનાગઢનું આસ્થા કેન્દ્ર ગિરનાર ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ ધરાવે છે, તેટલું જ તે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ અત્યંત સમૃદ્ધ અને અજોડ છે. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે ગિરનારની આ પ્રાકૃતિક સંપદા ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે.

વૈવિધ્યસભર વનસ્પતિઓથી સમગ્ર વિસ્તાર લીલોછમ ગિરનાર પર્વતમાળા માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં, પરંતુ વન્યજીવ અને વનસ્પતિ પ્રેમીઓ માટે પણ એક અમૂલ્ય ખજાનો છે. અહીં ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોનો કાયમી વસવાટ તો છે જ, પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના સરીસૃપો, 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વૈવિધ્યસભર વનસ્પતિઓ આ સમગ્ર વિસ્તારને લીલોછમ અને જીવંત રાખે છે. આ અદ્ભુત પ્રાકૃતિક વારસાના કારણે જ ગિરનાર અને તેની આસપાસના 179 ચોરસ કિલોમીટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

​ગિરનારના જંગલોમાં એવી અનેક દુર્લભ વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ આવેલી છે જે સંશોધકો માટે હંમેશા અભ્યાસ અને આશ્ચર્યનો વિષય રહી છે. ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી. સુહાગીયાએ ગિરનારની આવી જ કેટલીક જાણી-અજાણી વાતો પ્રકાશમાં લાવીને જણાવ્યું છે કે ગિરનાર એક અત્યંત પ્રાચીન પર્વત છે. આ ભૌગોલિક પરિસ્થિતિના કારણે અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિનો વિકાસ થયો છે.

સિંહોથી લઈ સાબર સુધીના પ્રાણીઓનો વસવાટ આ જંગલોમાં સિંહો ઉપરાંત કીડીખાવ, ચિત્તલ, સાબર, હાયના અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ ખૂબ સહજતાથી વિચરણ કરતા જોવા મળે છે. વન્ય જીવો ઉપરાંત અહીં પ્રકૃતિના સંતુલન માટે મહત્વના એવા ઝેરી અને બિન-ઝેરી સાપ, મગર અને ગરોળી જેવા સરીસૃપો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.