Gujarat

જામનગરમાં પાંચ ‘શી ટીમ’ એક્શન મોડમાં, અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા

જામનગર શહેરમાં વિદ્યાર્થિનીઓ અને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 5 સ્પેશિયલ ‘શી ટીમ’ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમોએ ટ્યુશન ક્લાસીસ અને જાહેર બાગ-બગીચા તેમજ બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળોએ લુખ્ખા તત્વો તેમજ બિનજરૂરી આંટાફેરા મારી ભય કે અસલામતીનો માહોલ ઊભો કરનારા આસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

​મહિલા પોલીસકર્મીઓથી સજ્જ આ 5 ટીમો દ્વારા રોમિયોગીરી કરતા તત્વોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલ વેકેશનનો માહોલ હોવાથી બસ સ્ટેશન તેમજ ભીડવાળી જગ્યાઓની આસપાસ બાઈક લઈને આંટા મારતા રખડુઓને પકડીને જાહેરમાં જ કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા, જેનાથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બાગ-બગીચાઓમાં અડ્ડો જમાવીને બેસતા શખ્સોની આકરી પૂછપરછ કરી તેમને તગડી મૂકવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમક ઝુંબેશને પગલે વાલીઓ, યુવતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી દિવસોમાં પણ આ સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.