Gujarat

સિટી B ડિવિઝન ‘શી ટીમ’ દ્વારા સુરક્ષા અને જાગૃતિ અભિયાન

શહેરમાં ઉનાળુ વેકેશનને કારણે જાહેર સ્થળો અને બગીચાઓમાં લોકોની અવરજવર વધી છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા જી.જી. હોસ્પિટલ તથા જોગર્સ પાર્ક વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ અને નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

જોગર્સ પાર્ક ખાતે પેટ્રોલિંગ દરમિયાન ‘શી ટીમ’ દ્વારા ઉપસ્થિત જાહેર જનતા, મહિલાઓ અને બાળકો સાથે સંવાદ કરાયો હતો. મહિલાઓ કે બાળકો સાથે છેડતી અથવા અન્ય કોઈ અણબનાવ ન બને તે માટે સજાગ રહેવા અપીલ કરાઈ હતી. જરૂર પડ્યે તાત્કાલિક ‘શી ટીમ’ની મદદ લેવા પણ જણાવાયું હતું. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા ‘ડિજિટલ અરેસ્ટ’ જેવા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા માટે ખાસ જાગૃતિ આપવામાં આવી હતી.

જી.જી. હોસ્પિટલના કેમ્પસમાં, ખાસ કરીને મહિલા દર્દીઓના વોર્ડની આસપાસ બિનજરૂરી રીતે બેસી રહેતા કે શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા લોકોની પોલીસે પૂછપરછ કરી હતી. નાગરિકોને વ્યસનમુક્ત બનવા અને ‘Say no to drugs’ ના સૂત્ર સાથે નશીલા પદાર્થોથી દૂર રહેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનચાલકોને નિયમોનું પાલન કરવા પણ સૂચના આપી હતી.

પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે કાર્યરત વિવિધ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. જેમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ: 112, મહિલા હેલ્પલાઇન (અભયમ): 181, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન: 1930 અને ચાઇલ્ડ હેલ્પલાઇન: 1098 નો સમાવેશ થાય છે.

સિટી B ડિવિઝન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની તકલીફ કે કટોકટીના સમયે તાત્કાલિક સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા ‘શી ટીમ’નો સંપર્ક કરવો. પોલીસે નાગરિકોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.