જિલ્લાના જસદણમાં ગોખલાણા ગામ પાસે એક કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેમાં, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગોખલાણા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચા બોલી ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં જે બે યુવકોએ જીવ ગુમાવ્યા છે, તેઓ સગા પિતરાઇ ભાઇઓ હોવાનું સામે આવ્યું છે. એકસાથે ઘરના બે દીકરાઓના અકાળે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગોખલાણા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ભયંકર અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતકોના પાર્થિવદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

