Gujarat

આફ્રિકામાં ઈબોલાનો ખતરો, ગુજરાત એલર્ટ મોડમાં

આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકાર સતર્ક બની છે. કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

જેમાં રાજ્યની તૈયારીઓ અને આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ મુસાફરો માટે હેલ્થ ફોર્મ અને સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યની હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે.

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું કે, હાલ ગુજરાત કે સમગ્ર ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અને ગાઈડલાઈનનું રાજ્યમાં કડક પાલન થઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું.

ઈન્ટરનેશનલ મુસાફરો માટે હેલ્થ ફોર્મ અને કડક સ્ક્રીનિંગ ફરજિયાત ઇબોલા વાયરસ રોગ (EVD)ને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં, રાષ્ટ્રીય હિતમાં તમામ ઈન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે.

રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા પ્રવેશ બિંદુઓ (PoE) પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF)નું પાલન કડક બનાવવામાં આવ્યું છે.