ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થામાં વિદ્યાર્થીઓ 23 જૂન, 2026 સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકશે.
દહેગામ સરકારી ITI ખાતે હાલમાં કુલ 10 જેટલા વિવિધ ટેકનિકલ અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આમાં ફિટર, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, વેલ્ડર, વાયરમેન, કોમ્પ્યુટર એન્ડ પ્રોગ્રામિંગ, ટુ વ્હીલર ઓટો રીપેરર, મિકેનિક ડીઝલ, આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, ઇલેક્ટ્રીશિયન તેમજ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશન ટેકનીશિયન જેવા કોર્સોનો સમાવેશ થાય છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ itiadmission.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ, ઉમેદવારોએ પોતાના અસલ દસ્તાવેજો સાથે નજીકની સરકારી ITI ખાતે રૂબરૂ હાજર રહી દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજિયાત છે.
દસ્તાવેજ ચકાસણી બાદ ઉમેદવારે રૂ. 50ની ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, ત્યારબાદ જ પ્રવેશ ફોર્મ રજીસ્ટર ગણાશે. પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જૂન, 2026 છે. સમયમર્યાદા બાદ કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

