Gujarat

કોસંબામાં ડમ્પરે બાઈક સવાર પરિવારને ટક્કર મારી

સુરત જિલ્લાના તરસાડી-કોસંબા મુખ્ય માર્ગ પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા એક હાઈવા (ડમ્પર) ચાલકે બાઈક પર સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પ્રાથમિક વિગતો અનુસાર, એક પરિવાર પોતાની મોટરસાઈકલ પર સવાર થઈને બજાર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તરસાડી-કોસંબા મુખ્ય માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા હાઈવાના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર આખો પરિવાર રોડ પર પટકાયો હતો.

સદનસીબે, આ અકસ્માતમાં પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત સર્જીને હાઈવા ચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ ઈજાગ્રસ્ત પરિવારની મદદે દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માત બાદ હાઈવા ચાલક અટકવાને બદલે ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.