કામરેજના ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ સ્લીપ થઈ જતાં રોડ પર પટકાયેલા 53 વર્ષીય આધેડને પાછળથી આવી રહેલા ટ્રકે કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
મૃતક મહેન્દ્રકુમાર ગહેરીલાલ શાહ (ઉં.વ. 53) મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની હતા અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા. તેઓ તેમના 39 વર્ષીય કર્મચારી ઇન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ સાથે મોપેડ પર મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.

ઉંભેળ ગામની સીમમાં રોડ પર ડામરનું કામ ચાલુ હોવાને કારણે તેમનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. મોપેડ સ્લીપ થતાં મહેન્દ્રકુમાર શાહ સીધા રોડ પર પટકાયા હતા. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલક અમિતકુમાર પાંડેએ ગફલતભરી રીતે ટ્રક હંકારી રોડ પર પડેલા મહેન્દ્રકુમાર કંઈ સમજે તે પહેલા જ તેમના શરીર પર ટ્રકનું ટાયર ચઢાવી દીધું હતું. આ ભયાનક અકસ્માતમાં મહેન્દ્રકુમારને ડાબા હાથ, માથા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

