વડોદરામાં ગુજસીટોક હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન રતનપુરના લિસ્ટેડ બુટલેગરના પત્ની અને ભાભી માલિકીના નામે ચાલતા સચીન પેટ્રોલિયમના ત્રણ બેંક ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા પોલીસ સક્રિય થઈ ગઈ છે.
બુટલેગરની પત્ની અને ભાભીએ ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ડી ફ્રીઝ કરવા માટે સ્પેશિયલ GujCTOC કોર્ટમા અરજી કરી હતી પરંતુ કોર્ટે ડિ-ફ્રીઝ કરવાની અરજી ફગાવી દીધી છે. તપાસમાં ઇંધણ વેચાણની આવક અને બેંક ટ્રાન્જેક્શન વચ્ચે મોટો તફાવત સામે આવતા મામલો ગંભીર બન્યો છે. જેના પગલે પોલીસ પણ તપાસ કરવા માટે ફરી સક્રિય થઈ ગઈ છે.
ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામમાં મોટા પાયે દારૂનો ધંધો કરતા લિસ્ટર બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ સહિત તેની પત્ની પુત્ર મળીને પાંચ લોકો સામે ગુનો દાખલ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત ચાલી રહેલી તપાસ દરમિયાન બુટલેગર ની પત્ની સિમાબેન જયસ્વાલ અને ભાભી કવિતાબેન જયસ્વાલની સંયુક્ત માલિકીના સચીન પેટ્રોલિયમના નાણાકીય વ્યવહારો તપાસના ઘેરામાં આવ્યા છે.
તપાસ એજન્સી અનુસાર વર્ષ 2022થી 2024 દરમિયાન સચીન પેટ્રોલિયમ દ્વારા નાયરા કંપની પાસેથી અંદાજે 14.93 લાખ લીટર ડિઝલ અને 7.70 લાખ લીટર પેટ્રોલની ખરીદી કરવામાં આવી હતી. આ ઇંધણ વેચાણની કુલ અંદાજિત આવક રૂ.19.83 કરોડ જેટલી થતી હોવાનું સામે આવ્યું છે.
જોકે તપાસ દરમિયાન SBI, ભારત કો-ઓપરેટિવ બેન્ક અને HDFC બેન્કના ત્રણ અલગ-અલગ ખાતાઓમાં રૂ.40.42 કરોડથી વધુના ટ્રાન્જેક્શન નોંધાયા હોવાનું બહાર આવતા આવક અને વ્યવહારો વચ્ચે મોટો તફાવત સામે આવ્યો છે. જેના પગલે પોલીસે આ નાણાકીય વ્યવહારોને શંકાસ્પદ ગણાવી વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

