સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મોટા વરાછા જેવા પોશ વિસ્તારમાં માત્ર મહિલાઓ માટે ચાલતી એક હાઈપ્રોફાઈલ જુગારક્લબ પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ફ્લેટમાં ACની ફૂલ ગુલાબી ઠંડકમાં બેસીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતી ફ્લેટ માલિકની પત્ની સહિત કુલ 7 હાઈપ્રોફાઈલ મહિલાઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડી છે.
ગુપ્ત બાતમીના આધારે મહિલા પોલીસ સાથે દરોડો ઉત્રાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મોટા વરાછા ખાતે આવેલી આલીશાન સેન્ટોસા હાઈટ્સ બિલ્ડિંગના B-બ્લોકના ફ્લેટ નંબર 202માં એક મહિલા બહારથી લેડીઝ ગેંગને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવે છે.
બાતમી પાકી હોવાથી પોલીસે તુરંત જ મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખીને ફ્લેટ પર આયોજનબદ્ધ રીતે રેડ કરી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો ખોલાવીને અંદર પ્રવેશતા જ હોલનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસ જ્યારે ફ્લેટમાં દાખલ થઈ ત્યારે ફ્લેટ માલિકની પત્ની ઘરમાં બહારથી આવેલી અન્ય છ મહિલાઓ સાથે એસી ચાલુ કરીને આરામથી બેઠી હતી. તમામ મહિલાઓ ગોળ કુંડાળું વળીને ગંજીપાનાના પત્તા પર રૂપિયાની હારજીતનો જુગાર રમી રહી હતી. પોલીસને અચાનક સામે જોઈને જુગાર રમતી મહિલાઓમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો. જોકે, મહિલા પોલીસ સ્ટાફે તમામ 7 મહિલાને ઘટનાસ્થળે જ કોર્ડન કરીને ઝડપી લીધી હતી.

