Gujarat

ગાંધીનગરમાં યુવાને જીવન ટૂંકાવતા પહેલાં પરિવારનું ધ્યાન રાખ્યું, 5 દિવસ લાશ પડી રહી

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ આત્મઘાતી પગલું ભરતાં પહેલાં મૃતકે પોતાની માસૂમ પુત્રી અને પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એક કાગળની ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું.”

આપઘાત કર્યા બાદ આશરે 5 દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી હોવાથી તે સંપૂર્ણપણે ફૂલી ગઈ હતી અને ઝેરી ગેસની અસરને કારણે મૃતકનો ચહેરો અત્યંત ડરામણો અને કાળો પડી ગયો હતો. હાલ તો આ મામલે ઇન્ફોસિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મુંબઈના બોરીવલીના વતની અને હાલ કુડાસણમાં રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઇન્ફોસિટી ખાતે આવેલી ‘એનએક્સી’ (NXC) સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતા હતા. જોકે, છેલ્લા પાંચેક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી અને શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હોવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ અને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.