વડોદરા શહેરમાં કલર કોન્ટ્રાક્ટરનું કામ કરતા 23 વર્ષના એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી, તેને ફાર્મહાઉસમાં બંધક બનાવી માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને ભોગ બનનાર યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ મામલે ફાર્મહાઉસના માલિક સહિત 5 આરોપીઓ સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આવેલી શ્રીજીનગરમાં રહેતા અને કલરકામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ફરિયાદી લવકુશ તિવારીએ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી કલરકામના નાના કોન્ટ્રાક્ટ લવ છું. અજય અને સંજય નામના વ્યક્તિઓ મારા પરિચિત છે, તેથી તેઓ મને અવારનવાર કલરકામનો કોન્ટ્રાક્ટ આપતા રહે છે. તેમણે જ મારો સંપર્ક હાર્દિકભાઈ સાથે કરાવ્યો હતો. મેં હાર્દિકભાઈના બેથી ત્રણ કામ કર્યા હતા,
જે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા હતા. ત્યારબાદ એક નાનું કલરકામ બાકી હતું, જે આશરે ₹2,000થી ₹3,000નું હતું. આ કામ પેટે મેં એડવાન્સ પૈસા લઈ લીધા હતા અને હું તે કામ કરવા માટે તૈયાર પણ હતો. આશરે 11 મહિના પહેલા હાર્દિકભાઈએ મને આ રકમ આપી હતી. તે સમયે મેં તેમને કહ્યું હતું કે, ‘તમે અત્યારે જ આ કામ કરાવી લો’, પરંતુ તેમણે જણાવ્યું હતું કે, ‘ના, અત્યારે મારું થોડું પ્લાસ્ટરનું કામ બાકી છે, તેથી કલરકામ પછી કરજે’.

