Gujarat

નશાકારક કફ સિરપના રેકેટનો પર્દાફાશ

શહેરમાં પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજીની ટીમે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને વડવા તલાવડીના એક શખ્સને કોડીન ફોસ્ફેટ કફ સિરપની 119 બોટલો સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સની પૂછપરછમાં અમરેલીથી મંગાવાતા કફ સિરપ અને સ્થાનિક પાનના ગલ્લા પરથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.

ચિત્રા GIDCમાં ઢાબા નજીકથી ઝડપાયો આરોપી એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વડવા તલાવડી વિસ્તારમાં રહેતા કુલદીપ ભરતભાઈ કોલાદરા અને હાર્દિક મુકેશભાઈ ડાભી નામના શખ્સો ચિત્રા જીઆઈડીસીમાં આવેલા ‘શેરે પંજાબ ઢાબા’ની આસપાસ નશાકારક કફ સિરપનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે.

આ માહિતીના આધારે SOGએ પંચોને સાથે રાખીને ઓચિંતી રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી કુલદીપ ભરતભાઈ કોલાદરા (ઉંમર 26, રહે. વડવા તલાવડી, ભાવનગર) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા કાયદેસરના આધાર-પુરાવા વિનાની ‘કોડીન ફોસ્ફેટ’ (Codeine Phosphate) ઘટક ધરાવતી નશાકારક કફ સિરપની 119 બોટલો મળી આવી હતી. પોલીસે ₹11,662ની કિંમતનો સિરપનો જથ્થો અને ₹5000નો મોબાઈલ મળી કુલ ₹16,662નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપી કુલદીપની કડક પૂછપરછ દરમિયાન આ આખા નેટવર્કની ચોંકાવનારી કડીઓ સામે આવી હતી. તેણે કબૂલાત કરી હતી કે, તે અને તેનો મિત્ર હાર્દિક ડાભી બંને મળીને ઉદ્યોગનગર વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકીના સંપર્કમાં હતા. મિલન સોલંકી પોતાના પાનના ગલ્લા પરથી આ કફ સિરપનું બિનઅધિકૃત વેચાણ કરતો હતો અને તેણે જ કુલદીપ તથા હાર્દિકને આ જથ્થો છૂટકમાં વેચવા માટે આપ્યો હતો.