ઉનામાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી PGVCL દ્વારા વારંવાર વીજકાપ કરવામાં આવતા તબીબો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉના-દીવ આઈ.એમ.એ.ના ડો. અરવિંદ કાતરીયા, ડી.ડી. સોલંકી, મુકેશ બલદાણીયા, આશિષ વકીલ, સંજય વાઢેર, અક્ષય માંડવીયા,રસિક વઘાસિયા સહિતના તબીબોએ PGVCLના પ્રાંત કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. તબીબોએ જણાવ્યું કે, અચાનક વીજળી ગુલ થવાથી ક્રિટિકલ દર્દીઓની સારવારમાં ઘણી તકલીફ પડે છે. અગાઉ અઠવાડિયામાં એક વખત વીજકાપ થતો હતો, પરંતુ હવે તે વારંવાર થાય છે.
વીજકાપ ઉપરાંત, જ્યારે વીજળી ફરી શરૂ થાય છે ત્યારે હાઈ વોલ્ટેજ આવવાથી હોસ્પિટલમાં રહેલા કિંમતી વીજ ઉપકરણોને અનેક વખત નુકસાન થયું છે. આ અંગે તબીબો દ્વારા PGVCLને ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

તબીબોની મુખ્ય માંગણી છે કે હોસ્પિટલ વિસ્તારમાં ઓછામાં ઓછો વીજકાપ મૂકવામાં આવે. ઉપરાંત, હાલમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાથી હોસ્પિટલોને જનરેટર ચલાવવા માટે પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ વ્યવસ્થાથી દર્દીઓને સારવારમાં કોઈ સમસ્યા ન થાય તે સુનિશ્ચિત કરી શકાય. ખાસ કરીને બપોરના સમયે વીજળીની સમસ્યા અનેકવાર જોવા મળે છે. તબીબોએ PGVCLને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવા અને તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી છે.

