Gujarat

બ્રિલિયન્ટ સ્કૂલનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી

જામનગરના વ્યસ્ત રણજીતસાગર રોડ પર આજે બપોરના સમયે આ ઘટના બની હતી. ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો આ ટાવર પવનના જોરદાર ઝાટકા સહન ન કરી શકતા રસ્તા પર તૂટી પડ્યો હતો. ટાવર પડવાના અવાજથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ઘટના બપોરના સમયે બની હોવાથી વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ટાવરને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી. આ ઉપરાંત, જામનગર ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં મદદ કરી હતી.

હાલમાં તંત્ર દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાએ જાહેરાતના બોર્ડ અને ટાવરોની મજબૂતી તેમજ તેમની મંજૂરી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ ટાવર માટે યોગ્ય મંજૂરી લેવાઈ હતી કે કેમ અને તેનું સ્ટ્રક્ચર મજબૂત હતું કે નહીં, તે તપાસનો વિષય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી છે.