ભાવનગર બ્લડ બેંક અને AP મોલર મર્સ્ક દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર V.2/V.3 સ્થિત પ્રિયા બ્લ્યુ શીપ ગ્રીન રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં અમરગઢની ડેન્ટલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલની ટીમે નાટક રજૂ કર્યું હતું. આ નાટક દ્વારા કામદાર ભાઈઓને તમાકુના સેવનથી થતા શારીરિક નુકસાન અને ભયંકર રોગો વિશે માહિતી આપવામાં આવી હતી. તમાકુનું વ્યસન છોડનાર કામદારોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 150 થી વધુ લોકો અને કામદાર ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીના કાર્યક્રમ બાદ, અમરગઢની ડેન્ટલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલની ટીમ દ્વારા 60 કામદાર ભાઈઓનું ઓરલ સ્ક્રીનીંગ (મુખની તપાસ) કરવામાં આવ્યું હતું. તેમને જરૂરી સારવાર અને તે અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ટી.આઈ. પ્રોજેક્ટ અલંગ, ભાવનગર બ્લડ બેંક અને પ્રિયા બ્લ્યુ શીપ ગ્રીન રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પ્રિયા બ્લ્યુ શીપ ગ્રીન રિસાયક્લિંગના આરોગ્ય, સલામતી અને પર્યાવરણ (HSE) ડિપાર્ટમેન્ટના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારો સહયોગ આપ્યો હતો.

