Gujarat

અંધારાનો લાભ લઈ મહિલાઓને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી એક સક્રિય ગેંગને દહેગામ પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી છે. ​દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એસ.ટી. ચોકી નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર પસાર થતા બે શંકાસ્પદ ઈસમો – ધર્મેશ ઉર્ફે ધમો કનુભાઈ ડાભી (રહે-હરીઓમ સોસાયટી, દહેગામ) અને અનુપજી ઉર્ફે અન્નુ સુકાજી ચૌહાણ (રહે-ઠાકોરનાથ સોસાયટી, લક્ષ્મીપુરા, નાંદોલ તા. દહેગામ) ને અટકાવી સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

​પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દહેગામ અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મળી કુલ 3 સ્થળોએથી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી દહેગામમાં પંકજ સોસાયટી પાછળ આવેલા વહેડા પાસે આવેલા જૂના ઘરની પાછળ જમીનમાં દાટીને રાખેલા 3 સોનાના દોરા જેની અંદાજિત કિંમત રૂ. 3,25,000 તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 3,50,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

​પકડાયેલા આરોપીઓની ગુના કરવાની પદ્ધતિ (એમઓ.) વિશે પોલીસે જણાવ્યું હતું કે, તેઓ સાંજ અને રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને મહિલાઓની રેકી કરતા અને એકલી મહિલાઓનો પીછો કરીને ગળામાંથી સોનાના ચેઈન કે દોરા તોડીને ફરાર થઈ જતા હતા. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.