Gujarat

સાબરકાંઠામાં એક નાળાના કામ દરમિયાન સિમેન્ટ મિક્સરનું મોટું વાહન પલટી જતાં રાજસ્થાનના ૨ શ્રમિકોના ઘટના સ્થળે મોત, ૧ ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાની કામગીરી દરમિયાન સિમેટ મિક્સર વાહન પલટી જવાની ઘટના બની હતી જેમાં, બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા હતા અને આ બનાવમાં એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, સાલેરા ગામે નાળાના પાયાના કામ માટે સિમેન્ટનો માલ બનાવવા માટેનું એક મોટું વાહન ત્યાં કાર્યરત હતું. આ દરમિયાન અચાનક આ મોટું વાહન પલટાઈ ગયું હતું. વાહન પલટી જતાં જ ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જાેકે, ત્યાં કામ કરી રહેલા રાજસ્થાનના બે શ્રમિકો આ ભારેખમ વાહન નીચે દબાઈ ગયા હતા. વાહનની નીચે ચગદાઈ જવાથી બંને શ્રમિકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા.

આ ભયાનક અકસ્માતમાં અન્ય એક શ્રમિકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત શ્રમિકને વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

તેમજ આ બનાવમાં અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ના ટોળાં તાત્કાલિક ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતક શ્રમિકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.