Gujarat

સિંધુભવન રોડ કાદવ કિચડથી ખરાબ કરનાર ZADE ગ્રુપને 5 લાખનો દંડ

અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે, ત્યારે આ ગૌરવ જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જાહેર રોડ પર ગંદકી કરનારા તત્વો સામે લાલ આંખ કરી રહ્યું છે.

શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટના વાહનો દ્વારા ગંદકી ફેલાવવા બદલ એક જાણીતા બિલ્ડર ગ્રુપને ₹5 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ સ્કીમને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે કોર્પોરેશનની તિજોરી છલકાઈ ગઈ છે.

વાહનોના ટાયરથી રોડ બગાડતા ‘ZADE Group’ ને ફટકારાયો દંડ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ જ્યારે બોડકદેવ વોર્ડમાં મોર્નિંગ રાઉન્ડ પર હતી, ત્યારે સિંધુભવન રોડ પર ભારે બેદરકારી સામે આવી હતી.

રોડ પર આવેલી ZADE Groupની કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ સાઇટ પરથી નીકળેલી ટ્રકો અને અન્ય વાહનોના ટાયર પર ભારે માટી ચોંટેલી હતી. આ વાહનો અવરજવર કરવાને કારણે મુખ્ય સિંધુભવન રોડ તેમજ સાઇટને જોડતા અન્ય રસ્તાઓ પર કાદવ-કીચડ અને માટી પથરાઈ ગઈ હતી.

જાહેર રોડ પર આ પ્રકારે ન્યુસન્સ ફેલાવીને ગંદકી કરવા બદલ અને રસ્તાની સફાઈ વ્યવસ્થા બગાડવા બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા ZADE Group ની આ સાઇટ તથા તેની સંલગ્ન એજન્સીને ₹5 લાખના દંડનો વહીવટી ચાર્જ ફટકારી કડક આદેશો આપવામાં આવ્યા છે.