Gujarat

સિંહોના મોતને પગલે ગીરની તમામ 19 રેન્જ હાઈએલર્ટ પર

ગીર જંગલમાં એશિયાટિક સિંહોમાં બેબેસિયા અને સી.વી.ડી. વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ આઠ સિંહોના મૃત્યુ થયા છે. વન વિભાગે સત્તાવાર રીતે આ વાત સ્વીકારી છે. આ રોગચાળાને કારણે 17 સિંહોને જામવાળા અને જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ રોગ દૂધાળા પશુઓમાંથી સિંહો સુધી પહોંચેલી ઇતરડીના ઉપદ્રવથી ફેલાયો હોવાનું મનાય છે, જેને નાથવા વન વિભાગ સતત કાર્યરત છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન મંત્રી અર્જૂન મોઢવાડિયા અને વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી પણ ગીરની મુલાકાતે આવ્યા હતા. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વની અન્ય રેન્જમાં આ વાયરસ કે બીમારી અન્ય સિંહો સુધી ન પહોંચે તે માટે વન વિભાગ સતત એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.

પૂનમની રાત્રિ દરમિયાન, તમામ 19 રેન્જમાં હાઈએલર્ટ સાથે વન વિભાગનો સ્ટાફ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સતત નાઈટ પેટ્રોલિંગ અને ફિલ્ડમાં કામ કરી રહ્યો હતો. દરેક રેન્જમાં આવતા સિંહોનું અવલોકન કરવામાં આવ્યું હતું. 48 કલાક સુધી દિવસ-રાત વન વિભાગના સ્ટાફે દરેક રેન્જ હેઠળ આવતા રાઉન્ડો અને બીટમાં સિંહોની શારીરિક સ્થિતિની ચકાસણી કરી હતી. કોઈપણ સિંહ, સિંહણ કે સિંહબાળ અશક્ત જણાય તો તેમના રેસ્ક્યુ માટે વન વિભાગે સંપૂર્ણ તૈયારી રાખી છે.