‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘ગંદી બાત 3’ ફેમ એક્ટ્રેસ નેહલ વડોલિયાએ ટીવી ઇન્ડસ્ટ્રી છોડવા અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગુજરાતી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના લીડ એક્ટર કરણ જોષી સામે ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે એક્ટ્રેસે ‘તારક મહેતા’ શો પર ગંભીર આરોપ લગાવ્યા છે.
‘સુનો ઇન્ડિયા’ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન નેહલ પોતાના જૂના દિવસોને યાદ કરીને રડી પડી. તેણે આરોપ લગાવ્યો કે ‘તારક મહેતા’ના સેટ પર તેને જબરદસ્તી એક રિવિલિંગ ડ્રેસ પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી, જેમાં તે ખૂબ જ અસહજ થઈ ગઈ હતી.
નેહલે જણાવ્યું કે, ટીવી શોમાં નાના રોલ કરનારા કલાકારોને નીચા દેખાડવામાં આવે છે અને વેબ સિરીઝ આવ્યા પછી પેમેન્ટ પણ ખૂબ ઓછું થઈ ગયું છે. આ જ કારણોસર તેમણે ટીવી છોડીને ઇન્ટિમસી કોઓર્ડિનેટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

નેહલ વડોલિયાએ પોડકાસ્ટમાં જણાવ્યું કે ‘તારક મહેતા’ શોમાં તેણે બબીતાજીની મિત્ર નેહાનો એક નાનો કિરદાર ભજવ્યો હતો. સેટ પર એક-બે દિવસના કિરદારવાળા કલાકારોને પોતાનો ડ્રેસ જાતે ઘરેથી લઈને જવો પડે છે.
નેહલ પણ પોતાનો ડ્રેસ લઈને ગઈ હતી અને તેને પહેરીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ તેનો ડ્રેસ શોની લીડ એક્ટ્રેસના ડ્રેસ સાથે મેચ થઈ ગયો. લીડ એક્ટ્રેસના કહેવાથી ક્રૂ મેમ્બર્સે નેહલને તે ડ્રેસ બદલવા અને બીજો ડ્રેસ પહેરવા કહ્યું.

