વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિના (એપ્રિલ અને મે 2026) દરમિયાન માર્ગ અકસ્માતોમાં 56 લોકોના મોત થયા છે. કુલ 86 નાના-મોટા અકસ્માતો નોંધાયા છે, જેમાં 37 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ આંકડા જિલ્લામાં માર્ગ સલામતીની સ્થિતિ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે પ્રાપ્ત વિગતો અનુસાર, એપ્રિલ 2026માં, જિલ્લામાં 24 જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત, 18 ગંભીર અકસ્માતોમાં 26 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 14 લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી.
મે 2026માં પરિસ્થિતિ વધુ વણસી હતી. આ મહિનામાં જીવલેણ અકસ્માતોની સંખ્યા વધીને 30 થઈ હતી, જેમાં 31 લોકોના મોત થયા હતા. આમ, એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ફેટલ અકસ્માતો અને મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે બે મહિનાના કુલ આંકડા મુજબ, 54 જીવલેણ, 29 ગંભીર અને 3 સામાન્ય મળીને કુલ 86 અકસ્માતો નોંધાયા છે. કુલ 56 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 37 લોકોને ગંભીર અને 15 લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે.
અકસ્માતોના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે હાઈવે પર ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને હેલ્મેટ-સીટબેલ્ટ વિના વાહન ચલાવવાની બેદરકારી મુખ્ય કારણો છે. વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવતી હોવા છતાં, જમીની સ્તરે કડક અમલીકરણ અને વાહનચાલકોમાં સ્વયં જાગૃતિની જરૂરિયાત સ્પષ્ટ થાય છે.

